Home About Books Stories Articles Gallery Contact
Short Fiction • 15 Min Read

સોનલ

Niyati Kapadia
સોનલ

સોનલ

વરસો બાદ આજે શાંતિભાઈના ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. એમની સૌથી નાની અને લાડકી દીકરી પલકનું ગોઠવાઈ ગયું હતું. અરે ભાઈ એના લગ્ન નક્કી થઈ ગયા હતા.

શાંતિલાલને ત્રણ ત્રણ દીકરા ઉપર આ એક દીકરી આવી ત્યારે એમને જે ખુશી થયેલી એવી જ ખુશી અત્યારે પણ થઈ રહી હતી. જે છોકરા સાથે પલકનું નક્કી થયું હતું એને શાંતિલાલ સારી રીતે ઓળખતા હતા ને એમને એમ કે એ ઘરમાં મારી પલક સુખી થશે...

ઘરમાં લગ્નની તડામાર તૈયારીઓ ચાલું થઈ ગઈ હતી. દીવાલોના એક એક ખૂણે નવા રંગનું પોતું ફેરવી દેવાયું હતું. બારીબારણા અને જાળી પણ નવા રંગે રંગાઈ શોભી ઊઠ્યાં હતાં. જુના પડદા ઉતારી નવા લગાવાયા હતા. દરેક પલંગ પરની મહેમાનો માટે ખાસ સાચવી રખાતી ચાદરો કબાટની બહાર આવી શ્વાસ લઈ રહી હતી. નવા કપ–રકાબી અને પ્યાલા સાથે માળિયામાંથી બહાર આવી હરખાઈ રહેલ થાળી–વાટકીઓ... ઘર સાથે ઘરની વ્યક્તિઓને પણ સુંદર બનાવવાનાં પ્રયત્ન ચાલું થઈ ગયાં હતાં.

એક સાંજે સાડા સાત વાગ્યે ઘરના સૌ બેઠકખંડમાં ટીવી આગળ ગોઠવાયેલાં હતાં. રોજિંદી ધારાવાહિક ચાલું હોય ત્યારે આખા ઘરમાં સોંપો પડી જતો. સિરિયલની વચમાં જાહેરાત આવે ત્યાં સુધી સૌને જાણે કોઈકે સ્ટેચ્યુ કહી દીધું હોય એમ ટીવી સામે આંખો કાઢી બેસી જતાં. જેને પણ કંઈ કહેવું હોય એણે જાહેરાત આવે ત્યાં સુધી ફરજિયાત રાહ જોવી પડતી. એ સમયે જો ભૂલથીય ફોનની રિંગ વાગતી તોય કોઈ ઊભું થઈ ફોન લેવા નહોતું જતું...પણ, આજે એ ઘટનાક્રમ બદલાયો હતો.

શાંતિલાલનનો સૌથી મોટો દીકરો રમેશ એની પત્ની અને બાળકો માટે નવા કપડાં તથા ઘરેણાં લઈ આવ્યો હતો. સૌ ઉમળકાથી નવી સાડી અને ઘરેણાની ડિઝાઇન જોઈ વખાણ કરી રહ્યાં હતાં. શાંતિલાલે પણ વરસોથી થોડું થોડું જોડી દીકરી માટે જે ઘરેણાં બનાવડાવ્યા હતા એને તિજોરીમાંથી બહાર લઈ આવ્યા હતા. ગળાના બે હાર, કાનના લટકણિયાં, સોનાની બંગડી, પાટલા, લોકેટ...

“પપ્પા આમાં ટીકો નથી. મારે મારા માથે સોનાનો ટીકો પણ જોઈએ છે.” પલકે લાડથી કહ્યું.

“એ પછીથી લઈ આવીશું. તું પહેલા આ ઘરેણા જોઈ લે.” શાંતિલાલે દીકરીને કેડ પર બાંધવાનો કંદોરો બતાવતા કહ્યું.

સૌથી નાનો દીકરો સુરેશ હજી કુંવારો હતો. એ એની પોતાની તથા બહેન માટે અમુક શૃંગારની વસ્તુઓ ખરીદી લાવેલો. એણે એ બતાવી. ઘરનો મહિલા વર્ગ વાહ વાહ કરી રહ્યો હતો... ત્યાં જ સાહિલનું મોઢું પડી ગયું.

સાહિલની મમ્મીનું તરત એ તરફ ધ્યાન ગયું અને એના ચહેરા પર પણ દુઃખની એક આછી રેખા ફરી વળી. સોનલે તરત જ એ દુઃખની રેખાને દૂર હટાવી હસીને કહ્યું, “અરે વાહ, ખૂબ સરસ ખરીદી કરી લાવ્યા. તમે સૌ આરામથી બધું જુઓ ત્યાં સુધી હું બધા માટે લીંબુપાણી લઈ આવું.”

સોનલ ઝટપટ ઊભી થઈ રસોડામાં ભાગી. ચાર મોટા મોટા ખારાં આંસુ એની આંખોમાંથી દદડી પડ્યાં. એની પાછળ જ સાહિલ પણ રસોડામાં આવી ગયો હતો. એ સોનલને પાછળથી કમરે વળગી કહી રહ્યો, “મને આ ઘરનું એકેય માણસ નથી ગમતું, મમ્મી.”

સોનલે તરત પોતાની જાતને સંભાળી લઈ, દીકરાને માથે હાથ ફેરવતા કહ્યું, “આવું ન કહીએ બેટા. એ જ આપણો પરિવાર છે.”

“કેમ ના કહેવાય? ફોઈના લગ્નમાં બધાં એમને માટે નવા કપડાં ખરીદી લાવ્યા પણ કોઈને મારો કે તારો વિચાર આવ્યો? આપણા માટે નવા કપડાં કોણ લાવશે? લગ્નમાં પણ આપણે જૂના કપડાં જ પહેરશું?” આટલું કહેતાં કહેતાં સાહિલ હિબકે ચઢ્યો.
સોનલે નીચે બેસી એને પોતાની સોડમાં લેતા કહ્યું, “આપણું નસીબ દીકરા એમાં બીજાને શું દોષ આપવો! આજે જો તારા પપ્પા હોત તો...”

“બધાને પપ્પા હોય છે, મારે એકલાને જ કેમ નથી મમ્મી?”

“જે સારું માણસ હોય ને એની જરૂર ભગવાનને પણ પડે એટલે એ એને જલદી ઉપર બોલાવી લે. તારા પપ્પાને પણ ભગવાને એમની પાસે બોલાવી લીધા.” આ કહેતી વેળાએ સોનલ જાત પર કાબુ ન રાખી શકી. એની આંખો પણ ઉભરાઈ આવી.

“હું ક્યારેય સારો માણસ નહીં બનું, મમ્મી. પછી તો ભગવાન મને એમની પાસે નહીં બોલાવી લે ને? તું પણ સારી ના બનતી. દાદા, મોટા બાપા, મોટી મમ્મી, કાકા, ફોઈ બધા સારા છે એટલે ભગવાન એમને પણ પપ્પાની જેમ જલદી ઉપર બોલાવી લેશે. પછી આપણે બે જ અહીં રહીશું. હું મોટો થઈને બહુ બધા રૂપિયા કમાઈશ ને તારા માટે રોજ નવી સાડી લઈ આવીશ. પછી તું ખુશ રહીશને મમ્મી? તારા આંસુ છુપાવવા પછી તું આમ રસોડામાં નહીં દોડી આવે ને?”

સોનલે એના નાનકડા દીકરાને કપાળે, ગાલે બચીઓ ભરી. એના માથે હાથ ફેરવી કહ્યું, “તું છે પછી મારે કોઈ ચિંતા નથી. અને તું જોજે ઘરનાં બધા ભલે નવા કપડાં પહેરતાં, આપણે જૂના કપડાંમાં પણ એવા તૈયાર થઈશું કે આપણો જ વટ પડશે.”

સાહિલને બહાર મોકલી સોનલે લીંબુ શરબત તૈયાર કર્યો. શરબતમાં થોડીક જુલાબ માટેની દવા ભેળવી અને પછી એના અને સાહિલ સિવાયના દરેક માટે ગ્લાસ ભર્યો...
–નિયતી કાપડિયા “નિર્ઝર”

Thank you for reading this story. Share your thoughts or explore more works below.

Read more on Author Website ← Back to Stories

More Stories

પ્રેમ કથા • 1 min read

એક અધૂરું શમણું

જો કોઈ પુરુષોના દિલને જરાક ફંફોસી જુએ તો, એક એક ખૂણેખાંચરેથી કેટલીય રૂપાળી લલનાઓના સુંવાળા કિસ્સા મળી આવે... –નિર્ઝર …

Read Story →
સામાજિક કથા • 1 min read

ચિત્રકારની મુંઝવણ

જેને ખામી જ કાઢવી છે એમને તો ચાંદમાં પણ ડાઘ દેખાશે, એમને લીધે કંઈ ચાંદ છુપાઈ નથી જતો! –નિર્ઝર …

Read Story →