એક અધૂરું શમણું
કોલેજનો આજે છેલ્લો દિવસ હતો. બધાં લોકો ખુશ પણ હતા અને ઉદાસ પણ! ખુશ એટલે કે હવેથી ભણવાનું ટેન્શન પૂરું. પરિક્ષા, ખડ્ડુસ પ્રોફેસરના લેક્ચર્સ, વગેરે બધું જ બંધ થઈ જશે. ઉદાસ એટલે કે હવે રોજ રોજ દોસ્તોને મળવાનું નહીં બને, ધમાલ, મસ્તી- મજાક બધું જ બંધ થઈ જશે…એથીય વધારે ગભરાવનારું…ત્યાર પછી ચાલું થતી નોકરીની શોધ, પછી જીવનસાથીની...!
કોલેજ લાઇફ વિશે આલોકે જેવું જેવું વિચારેલું, જે જે રંગીન સપના જોયેલાં એમાંથી કંઈ ઉકાળ્યું ન હતું. કોલેજમાં પગ મૂક્યો ત્યારે તો કેમ્પસમાંથી જ છોકરી અને પ્રેમ બંને મળી જવાના સપના જોયાં હતાં! મોટા પગાર વાળી નોકરી, વરસે લાખોનું પેકેજ, ઉજ્જવળ કારકિર્દી…જેટલું પણ વિચાર્યું હતું એ બધું જ પહેલા વરસાદમાં જેમ રસ્તા ધોવાઈ જાય એમ જિંદગીની દોડમાં ધોવાઈ ગયું હતું. એની સાથે ભણતા છોકરાઓમાંથી માંડ બે ચારને કેમ્પસમાંથી જોબ મળેલી. બાકીના બધા રહી ગયેલા, પોતે પણ એ રહી ગયેલામાંનો જ એક હતો. વાત ખાલી નોકરી પૂરતી હોત તો વધારે જીવ ન બળત પણ કોલેજમાં આવીને જે જલસા કરવાના સપના જોયેલા એ પણ પુરા ના થયા ને ચાર વરસ ભણવામાં જ વીતી ગયા એનું ભારોભાર દુઃખ હતું.
કોલેજના છેલ્લાં દિવસે તો આલોક જાણે જિંદગીની જંગ હારી ગયો હોય એમ એક ખૂણામાં ભરાઈ બેન્ચ પર મોંઢુ લટકાવીને બેસી ગયો હતો. એના શ્વાસ જાણે પરાણે આવ–જા કરી રહ્યા હતા. એની ધડકન બંધ પડી જવાની અણીએ પહોંચી ગઈ હતી. એ એની સાથે ભણતી એશાને દિલફાડીને ચાહતો હતો અને મુશ્કેલી એ હતી કે મોઢાંમાં દહીં જમાવેલું ન હોવા છતાં એ બોલી નહતો શકતો...
આખી દુનિયા આગળ વેંત લાંબી ચાલતી જીભડી એશા આગળ ‘હું તને પ્રેમ કરું છું’ એટલું કબૂલ કરવા જતા તો ગેંગેં ફેંફેં થઈ જતી હતી. એને પોતાની આ જ નિર્બળતા પર સૌથી વધારે ગુસ્સો આવી રહ્યો હતો.
પહેલી નજરે જોતા જ એ એશાના પ્રેમમાં સાંગોપાંગ પડી ચૂક્યો હતો. એ પ્રેમ છેલ્લાં ચાર વરસથી એના હૃદયના એક છાના ખૂણામાં વધી વધીને હવે દિલમાંથી છલકાઈને બહાર આવી જાય એટલો થઈ ગયો હતો. એશા વગરની જિંદગી એને માટે ખાંડ વગરની કોફી જેવી કડવી હતી! કાચી કેરીના અથાણામાં ગોળ જેવી ભૂમિકા ભજવે એવી જ ભૂમિકા એશાની આલોકના જીવનમાં હતી. જીવનની બધી મીઠાશ, રસ, ખુશીઓ અરે ખુશીઓના સપના પણ એશા વગર પોતે કલ્પી નહોતો શકતો, તો એશા વગરની જિંદગી કેવી રીતે જશે?
ઘણાં બધાં પ્રયત્ન કરવા છતાં તે એના દિલની વાત નહોતો કહી શક્યો. હવે પછી કદાચ ક્યારેય નહી કહી શકે એ વિચારે જ તેની છાતીના પાટિયા પડી ગયા હતા.
એક તરફ દિલ ઉછાળા મારી મારીને કહી રહ્યું હતું,
“જા…લ્યા આલોકિયા…કહી દે એને, આજે નહીં તો ક્યારેય નહીં. તક ચૂકી ગયો તો મરી જઈશ મારા હાહરા…રાહ શેની જુએ છે, જા ને જટ બોલી નાંખ..!"
જે જે એ વિચારી શકતો હતો એને અમલમાં મૂકવાની એની ત્રેવડ જ ક્યાં હતી? કાશ, તમે તમારા વિચારો, તમારું મન, કોઈને એક શબ્દ પણ હોઠેથી બોલ્યા વગર વંચાવી શકતા હોત...
આખરે બધું પતી ગયું. કોલેજમાંથી વિદાય થવાની ઘડી આવી પહોંચી. આલોક રડવા જેવો થઈ ગયેલો. હારેલા યોદ્ધાની જેમ ધીમા, ઘસડાતા પગલે એ કોલેજની બહાર નીકળી રહ્યો હતો ત્યાં એને પાછળથી કોઈએ બૂમ મારી…
અવાજ જાણીતો હતો. મીઠો હતો. ગમે એવો હતી. પરાણે એણે ડોકી ઘુમાવી પાછળ નજર કરી. એ એશા હતી!
આશ્ચર્ય અને આઘાત મિશ્રિત લાગણી લઈને હવે એશા શું કહેવાની હશે એ વિચારતો તે એની જગાએ ઊભો રહી ગયો હતો. ક્યાંક એ એના લગ્નની કંકોતરી આપવા તો નહિ આવતી હોય? આલોક માંડ હિંમત એકઠી કરી, શ્વાસ રોકીને ઊભો રહ્યો. થોડીક પળમાં તો એણે દસ વાર મનોમન ભગવાનને પ્રાર્થના પણ કરી લીધી કે ગમે તે થાય પણ ભવિષ્યમાં એનાં બાળકોના મામા બનવાનો વખત ન આવે…જેને પ્રેયસી તરીકે જ આજ સુધી જોઈ હોય એને બહેન માનવાનું, સપને પણ એવું વિચારવાનું એ વિચારી શકે એમ ન હતો.
“ક્યાં સુધી ચુપ રહીશ, હવે તો કહી દે…" એશાએ એનાથી બે કદમ દૂર ઊભા રહી કહ્યું.
“શું?" આલોકનું મગજ કામ કરતું ક્યારનુંય અટકી ગયું હતું એમાંય આજે પાતળી કમર અને મોટી આંખોવાળી એશા પરી જેવી લાગી રહી હતી. એની સ્વપ્નસુંદરી એની સામે ઊભી કંઇક કહી રહી હતી અને એ શું કહી રહી હતી તે જ આલોકને સમજાઈ નહોતું રહ્યું.
“શું…? તું મને આવું પૂછીશ? તને શું લાગે છે હું બુધ્ધું છું? મને કંઈ જ ખબર નહીં પડતી હોય? આખી કોલેજ જાણે છે કે આલોક એશાને ચાહે છે અને હું જ એ વાતથી અજાણ હોઈશ?” એશા પટ પટ કરતી ગરમ તવા પર ધાણી ફૂટે એમ ફૂટી, મતલબ કે બોલી રહી હતી.
“ચાલ જવા દે એ બધું. તું એક કામ કર. મારી સામે નીચે ઘૂંટણિયે બેસી જા.” એશાએ આદેશાત્મક અવાજે કહ્યું.
આલોક માટે આ બધું સપના સમાન હતું. એને વિશ્વાસ નહતો બેસતો છતાં એ ઘૂંટણિયે બેસી ગયો. જેના એક ઇશારે તમે જાન કુરબાન કરવા તૈયાર હોં એની આગળ ઘૂંટણિયે બેસવામાં શું મોટી વાત છે!
“હવે તારો જમણો હાથ લાંબો કર." એશાએ બીજો હુકમ છોડ્યો.
આલોકને રાખડી યાદ આવી ગઈ. એની હથેળી અચાનક જ ભીની થઈ ગઈ. પણ હવે શું થઈ શકે એમ હતું? એશાને ના કહેવાનું એનું ગજુ ન હતું અને જે કહેવું હતું એ કહેવાની હિંમત નહોતી. એણે હાથ લાંબો કર્યો. એશાએ એના એ હાથમાં ગુલાબનું એક ફૂલ પકડાવ્યું અને કહ્યું,
“ચાલ હવે બોલ, આઇ લવ યુ!”
આલોક કંઇક આશ્ચર્યથી, વધારે આઘાતથી એશા સામે આંખો ફાડીને જોઈ રહ્યો. એના ફક્ત ચહેરા પર જ નહીં, આખા શરીર પર, એના રૂંવે રૂંવે, ધીરે ધીરે રૂપાળું સ્મિત ફરકી ઉઠ્યું હતું. એનું દિલ જોર જોરથી ધડકી રહ્યું...
“બોલ... રાહ શેની જુએ છે? જલદી બોલ…"
આલોકે આંખો બંધ કરી. એક ઊંડો શ્વાસ લીધો. છાતીમાં હતી એટલી હિંમત એકઠી કરી. જીભ ઉપર વરસોથી શણગારીને ગોઠવી રાખેલા શબ્દો બોલી નાંખતાં પહેલા ફરી આંખો ખોલી…
આલોકની નજર સામે ડોળા કાઢી એની પત્ની ચંદા ઊભી હતી! એ ગળું ફાડી અત્યંત કર્કશ અવાજે કહી રહી હતી, “ગઈ કાલે સાંજે દરજી પાસેથી મારો બ્લાઉઝ લેતા આવવાનું કહેલું…એ લાવ્યા છો કે પછી ફરી ભૂલી ગયા? બોલો, જલદી જવાબ આપો, મારી ચા ઉભરાઈ જશે…"
આલોક એક જ પળમાં એની જીભ ઉપરથી બહાર આવવા થનગની રહેલા શબ્દો ગળી ગયો. એ એક ઝાટકે પથારીમાંથી ઊભો થઈ ગયો. પોતાની જ પત્નીને જાણે “આ કોણ છે?” એવા ભાવથી ઘડીક તાકી રહી એણે કહ્યું, “કાલે સાંજે કોલેજનો એક દોસ્ત મળી ગયેલો એટલે આવતા થોડું મોડું થયું હતું. હું દુકાને પહોંચ્યો ત્યારે દરજી જતો રહેલો. તું ચા મુક હું હાલ જ તારો બ્લાઉઝ લઈ આવું છું."
જાણે ઘરમાંથી ભાગી જવા ઈચ્છતો હોય એમ કોલેજની મીઠી યાદોને દિલનાં એક સુંવાળા ખૂણામાં છુપાવી આલોક સાચે જ ત્યાંથી ભાગી ગયો...
-નિયતી કાપડિયા “નિર્ઝર”
Thank you for reading this story. Share your thoughts or explore more works below.
Read more on Author Website ← Back to Stories